બજેટ 2026 : નાણામંત્રી સીતારમણે ગુજરાતને લગતી કઈ કઈ જાહેરાતો કરી?

બીબીસી ગુજરાતી ગુજરાત બજેટ નાણામંત્રી નિર્મલા સીત��રમણ સુરત જામનગર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતને લગતી કેટલીક જાહેરાતો પણ કરી છે. માળખાકીય વિકાસથી લઈને પર્યટન અને આરોગ્ય સુધીના મામલે બજેટમાં ગુજરાતનો ઉલ્લેખ થયો હતો.

બજેટની દરખાસ્તો મુજબ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ રીતે મહત્ત્વના શહેર સુરતને ખાસ ફ્રેઇટ કૉરિડોરથી જોડવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પરંપરાગત દવાઓના સંશોધન કેન્દ્ર સ્થાપવાની દરખાસ્ત પણ છે. ઉલ્લેખ એ પણ છે કે રાજ્યના દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે ખાસ હૉસ્ટેલો પણ શરૂ કરવામાં આવશે.

આ વખતના બજેટમાં ગુજરાતને ફાયદો થાય તેવી જાહેરાતો આ મુજબ છેઃ

સુરતને ફ્રેઇટ કૉરિડોરથી જોડાશે

બીબીસી ગુજરાતી ગુજરાત બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરત જામનગર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના ઔદ્યોગિક રીતે મહત્ત્વનાં શહેરોને જોડવાનું કામ ફ્રેઇટ કૉરિડોર દ્વારા કરવામાં આવે છે.

બજેટમાં ગુજરાતને લગતી સૌથી મહત્ત્વની જાહેરાત નવા ફ્રેઇટ કૉરિડોરને સુરત સાથે જોડવાની છે. કેન્દ્રીય નાણામંત્રીએ દરખાસ્ત કરી કે ગુજરાતના સુરત અને પશ્ચિમ બંગાળના દાનકુનીને જોડતો એક નવો ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર (ડીએફસી) રચવામાં આવશે. તેનાથી માલના પરિવહનમાં ઝડપ આવવાની શક્યતા છે. આ ઉપરાંત સુરતથી પશ્ચિમ બંગાળ સુધીના રૂટ પર અનેક જગ્યાએ મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિને ઉત્તેજન મળશે તેમ માનવામાં આવે છે. એક રીતે જોવામાં આવે તો ભારતના પશ્ચિમ અને પૂર્વના ઇન્ડસ્ટ્રીયલ પટ્ટાને જોડવાનું કામ આ ફ્રેઇટ કૉરિડોર દ્વારા થશે.

ભારતમાં ઔદ્યોગિક મહત્ત્વનાં સ્થળોને જોડવા માટે ફ્રેઇટ કૉરિડોર એ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. હાલમાં પંજાબના લુધિયાણા અને પશ્ચિમ બંગાળના દાનકુનીને જોડતો ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર અસ્તિત્વમાં છે. તેવી જ રીતે વેસ્ટર્ન ફ્રેઇટ કૉરિડોર દ્વારા ઉત્તર પ્રદેશના દાદરીને મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પૉર્ટ (જેએનપીટી) સાથે જોડવામાં આવે છે.

લોથલ, ધોળાવીરાનો વિકાસ

બીબીસી ગુજરાતી ગુજરાત બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરત જામનગર
ઇમેજ કૅપ્શન, ધોળાવીરામાંથી 4500 વર્ષ જૂની હડપ્પાની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

બજેટમાં આ વખતે આર્કિયૉલૉજી અને ટુરિઝમના વિકાસ પર ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. તેના ભાગરુપે ભારતમાં કુલ 15 પુરાતત્ત્વીય રીતે મહત્ત્વનાં સ્થળોનો વિકાસ કરવામાં આવશે. જેમાં લોથલ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. આ બંને જગ્યાએ ટુરિઝમને પ્રોત્સાહન મળવાની આશા છે.

ગુજરાત ઉપરાંત દેશમાં અન્ય જગ્યાએ પણ પુરાતત્ત્વીય મહત્ત્વનાં સ્થળોનો વિકાસ કરવામાં આવશે જેમાં રાખીગઢી, સારનાથ, હસ્તિનાપુર અને લેહના પૅલેસનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ

બીબીસી ગુજરાતી ગુજરાત બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરત જામનગર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ આવ્યા છે.

સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ચીન, અમેરિકા અને તાઇવાન જેવા દેશો બહુ આગળ નીકળી ગયા છે જ્યારે ભારત હજુ પાયાના સ્તરે છે. આગામી દિવસોમાં ગુજરાતને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં અગ્રણી બનાવવા માટે જંગી રોકાણ કરવામાં આવશે.

બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ભારતે સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) 2.0 શરૂ કર્યું છે. તેમાં ઇલેક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ સ્કીમ માટે બજેટ ફાળવણી વધારીને 40 હજાર કરોડ કરવામાં આવશે.

ગુજરાતમાં માઇક્રોન, ટાટા-પીએસએમસી, સીજી પાવર જેવી કંપનીઓએ પહેલાં જ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે રોકાણ કરવાની જાહેરાત કરી છે.

જામનગરમાં મેડિકલ સેન્ટર

બીબીસી ગુજરાતી ગુજરાત બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરત જામનગર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ત્રણ આયુર્વેદ એઇમ્સ સ્થાપવાની સરકારની યોજના છે.

જામનગરમાં એક WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવાની જાહેરાત પહેલાં પણ થઈ ચુકી છે અને નાણા���ંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પણ આનો ઉલ્લેખ કર્યો હતો.

આ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે જેથી પરંપરાગત દવાઓ વિશે તાલીમ આપી શકાય અને વૈશ્વિક જાગૃતિ વધારી શકાય.

આનાથી ગુજરાતમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન મળશે તેવી આશા રાખવામાં આવે છે.

દેશમાં કુલ ત્રણ આયુર્વેદ એઇમ્સ સ્થાપવાની છે જેમાંથી એક WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરને મળશે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નૅશનલ લૅબ પણ શરૂ કરવામાં આવશે.

રાજ્યના દરેક જિલ્લામાં ગર્લ્સ હૉસ્ટેલ

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી કે દેશના તમામ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓને આધુનિક સગવડો મળે તે માટે ગર્લ્સ હૉસ્ટેલ શરૂ કરવામાં આવશે.

ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થિનીઓને તેનાથી ઘણી મદદ મળશે.

તેના કારણે ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં ગર્લ્સ હૉસ્ટેલ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત એસએમઈ-એમએસએમઈ ગ્રોથ ફંડ માટે મોટી રકમનું રોકાણ કરવામાં આવશે જેમાં ગુજરાત એક લાભાર્થી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન