'મેં પોતાને મોહમ્મદ દીપક બતાવ્યો, કેમ કે માણસની ઓળખ ધર્મથી નક્કી ન થવી જોઈએ'

ઇમેજ સ્રોત, deepakakkikumar/Instagram
- લેેખક, આસિફ અલી
- પદ, બીબીસી માટે
ઉત્તરાખંડના પૌડી જિલ્લાના કોટદ્વાર શહેરમાં એક મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં બહાર આવેલા 'મોહમ્મદ દીપક' વિરુદ્ધ બજરંગદળના કાર્યકરોએ ગત શનિવારે 31 જાન્યુઆરીએ સાંજે અને એ પછી પણ વિરોધપ્રદર્શન કર્યું હતું.
આ મામલા અંગે પોલીસ વહીવટીતંત્રનું કહેવું છે કે તેણે તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે મોકલીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને સ્વયં નોંધ લઈને, દેહરાદૂનથી આવેલા કેટલાક લોકો સામે એફઆઇઆર નોંધી છે.
જોકે, દીપકે વહીવટીતંત્ર પર 'એકતરફી વલણ' અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના અંગે બજરંગદળે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે તેમણે દીપક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, ત્યારે તેમણે આ વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં દેહરાદૂન, ઋષિકેશ અને હરિદ્વારના બજરંગ દળના કાર્યકરો સામેલ થયા હતા.
ત્યારે જાણીએ, દીપક કશ્યપ કોણ છે અને તેમણે તેમનું નામ 'મોહમ્મદ દીપક' કેમ આપ્યું છે? તેઓ કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સમગ્ર મામલો શું છે?
દીપક કશ્યપે પોતાને 'મોહમ્મદ દીપક' નામ કેમ આપ્યું?

ઇમેજ સ્રોત, Screen Grab
દીપક કશ્યપ 26 જાન્યુઆરીના રોજ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ કોટદ્વારના પટેલ રોડ પર એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં આગળ આવ્યા હતા.
આ વૃદ્ધ મુસ્લિમ દુકાનદારની દુકાનના નામ 'બાબા' (બાબા સ્કૂલ ડ્રૅસ ઍન્ડ મૅચિંગ સેન્ટર) અંગે બજરંગદળના લોકો વાંધો ઉઠાવી રહ્યા હતા અને તેમને દુકાનનું નામ બદલવા માટે કહી રહ્યા હતા.
26 જાન્યુઆરીએ બજરંગદળના લોકો આ દુકાને પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર 'મોહમ્મદ દીપક' તરીકે ઓળખાતો આ યુવાન ખરેખર દીપકકુમાર કશ્યપ છે. તેઓ ઉત્તરાખંડના કોટદ્વારના રહેવાસી છે અને વ્યવસાયે જિમ ટ્રેનર છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં તેઓ આ વૃદ્ધ મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં બોલતા જોવા મળે છે અને તેમણે દુકાનનું નામ કેમ બદલવું જોઈએ તેવો સવાલ કરે છે. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાઓ જ્યારે તેમને તેમનું નામ પૂછે છે ત્યારે દીપક તેમનું નામ મોહમ્મદ દીપક જણાવે છે.
તે દિવસની ઘટના અંગે દીપકે બીબીસીને જણાવ્યું હતું કે, "બજરંગદળના સાત-આઠ લોકો 75 વર્ષના મુસ્લિમ દુકાનદારની દુકાને પહોંચ્યા હતા અને દુકાનના નામમાંથી 'બાબા' શબ્દ દૂર કરવા દબાણ કરી રહ્યા હતા."
જોકે, પોલીસનું કહેવું છે કે એ દિવસે મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી આ વિસ્તારની મુલાકાતે હતા અને તેમની સુરક્ષા માટે પોલીસદળ તહેનાત હોવાથી માહિતી મળતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હત��.
બજરંગદળના કાર્યકર્તાઓએ દીપક વિરુદ્ધ હંગામો કર્યો

ઇમેજ સ્રોત, Screen Grab
દીપકે બીબીસીને જણાવ્યું કે, "26 જાન્યુઆરીની ઘટનાથી આ મામલો સતત ચાલી રહ્યો હતો, પરંતુ 31 જાન્યુઆરીએ પરિસ્થિતિ અચાનક વધુ ખરાબ થઈ ગઈ."
દીપકના જણાવ્યા મુજબ, "દેહરાદૂનથી લગભગ 150 બજરંગદળના કાર્યકરો કોટદ્વાર પહોંચ્યા અને સીધા તેમના જિમ પાસે આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા અને હંગામો કરવા લાગ્યા."
તેઓ કહે છે કે આ સમય દરમિયાન તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પોલીસ પર 'એકતરફી વલણ અપનાવવા'નો આરોપ

ઇમેજ સ્રોત, Screen Grab
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દીપકે વહીવટીતંત્ર પર એકતરફી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું, "મને ત્યાંથી હઠાવી દેવામાં આવ્યો, પરંતુ તે લોકો ચાર-પાંચ કલાક સુધી હંગામો કરતા રહ્યા."
તેમના મતે, વિરોધીઓની સંખ્યા એટલી મોટી હતી કે સ્થાનિક લોકો તેમના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી શક્યા નહીં.
દીપકે દાવો કર્યો હતો કે 'બજરંગદળના લોકો હથિયારો સાથે વાહનોમાં આવ્યા હતા.'
તેમનું કહેવું છે કે તેમણે પોલીસને સંભવિત હંગામા વિશે પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી, કારણ કે બજરંગદળના કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો હતો, જેનો સ્ક્રીનશૉટ પણ તેમણે કોટદ્વાર પોલીસને મોકલ્યો હતો.
જોકે, દીપકે કહ્યું, "પોલીસ પાસેથી મને જે પ્રકારની અપેક્ષાઓ હતી તેવું બિલકુલ બન્યું નહોતું.
તેમનો આરોપ છે કે તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે પ્રદર્શનકારીઓને ઘટનાસ્થળેથી દૂર કરવા માટે કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. દીપક કહે છે કે જો તેમને કસ્ટડીમાં લેવાયા, તો સામે ઓછામાં ઓછું વિરોધ કરી રહેલા ટોળાને દૂર કરી દેવું જોઈતું હતું.
દીપક આ ઘટનાને યાદ કરીને ભાવુક થઈ જાય છે.
તેઓ કહે છે કે, "મેં કરેલા માનવતાના કાર્યના બદલામાં જે બન્યું તેનાથી હું અંદરથી તૂટી ગયો છું."
તેઓ કહે છે કે આ પછી પણ તેઓ અન્યાય સામે ઊભા રહેશે, "ભલે તેના માટે મારે મારો જીવ આપી દેવો પડે. "
દીપકને તેમના પરિવારની સલામતીની ચિંતા છે.
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, AsifAli/BBC
પૌડી જિલ્લાના એસએસપી સર્વેશ પનવારે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું કે, "કોટદ્વારમાં 26 જાન્યુઆરીએ એક દુકાનના નામ અંગે બનેલી ઘટના બાદ 31 તારીખે કેટલાક લોકો દેહરાદૂનથી આવ્યા હતા."
તેમણે કહ્યું, "તેઓ અહીં તે દિવસે મુસ્લિમ દુક���નદારના સમર્થનમાં વિરોધ કરનારા યુવાનનો વિરોધ કરવા આવ્યા હતા. તેમણે એનએચ પર બેસીને પણ વિરોધ કર્યો હતો. આ મામલે, પોલીસે સ્વતઃ નોંધ લીધી છે અને દેહરાદૂનથી આવેલા કેટલાક લોકો સામે એફઆઇઆર નોંધી છે, કારણ કે તેમણે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો."
એસએસપીએ જણાવ્યું કે આ ઉપરાંત 'બાબા ગાર્મેન્ટ્સ'ના દુકાનદારની ફરિયાદ પર પણ એક કેસ નોંધવામાં આવ્યો છે.
અગાઉ, કોટદ્વારના એડિશનલ એસપી ચંદ્રમોહનસિંહે બીબીસીને જણાવ્યું હતું કે ભીડની માહિતી મળતાં જ પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું, "પરિસ્થિતિ તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી અને કોઈ અથડામણ કે હિંસા થઈ ન હતી. સ્થળ પર પૂરતાં પોલીસજવાનો હાજર હતા, જેની મદદથી ભીડને વિખેરવામાં આવી હતી."
તેમણે એમ પણ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આ ઘટનામાં કોણ સંડોવાયું છે તે શોધી રહી છે. તેમના મતે, સાવચેતીનાં પગલાં તરીકે સમગ્ર શહેરમાં ફ્લેગમાર્ચ કાઢવામાં આવી છે.
કોટદ્વારના એસએચઓ પ્રદીપ નેગી સમગ્ર ઘટનાક્રમ અંગે કહે છે, "26 જાન્યુઆરીના રોજ કેટલાક લોકો પોલીસ પાસે આવ્યા અને કહ્યું કે એક મુસ્લિમ દુકાનદારે તેમની દુકાન પર 'બાબા ગાર્મેન્ટ્સ' લખ્યું છે. તેમણે મને કહ્યું કે નામ લખવાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે."
"જોકે, મુસ્લિમ દુકાનદાર લગભગ 30 વર્ષથી 'બાબા કલેક્શન' નામથી પોતાની દુકાન ચલાવી રહ્યો છે. બીજા દિવસે, એક વીડિયો વાઇરલ થયો જેમાં એક હિન્દુ યુવક મુસ્લિમ દુકાનદારને ટેકો આપતો જોવા મળે છે. વીડિયોમાં, યુવક પોતાને 'મોહમ્મદ દીપક' કહી રહ્યો છે. આ પછી, ગયા શનિવારે, બજરંગદળના કાર્યકરો દહેરાદૂનથી એકઠા થયા અને ત્યાં પહોંચ્યા. અમે તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો પણ તેઓ વાહનો મૂકીને પછી રસ્તા પર આગળ વધ્યા"
પ્રદીપ નેગી કહે છે, "ખરેખર, તેઓ અહીં 'બાબા ગાર્મેન્ટ્સ' માટે નહીં, પરંતુ તે યુવાન 'મોહમ્મદ દીપક'નો વિરોધ કરવા આવ્યા હતા. બજરંગદળના કાર્યકરોએ કહ્યું કે તે દેશદ્રોહી છે. આ પછી, આ કાર્યકરો અને તે યુવાન સામસામે આવી ગયા જેના કારણે વિવાદ વધ્યો."
બજરંગદળે શું કહ્યું?
કોટદ્વારમાં બજરંગદળના પદાધિકારી રાજેશ જદલીએ જણાવ્યું હતું કે, "કોટદ્વારમાં એક દુકાન અંગે અમને વાંધો હતો અને દુકાનદારે અમને ખાતરી પણ આપી હતી કે તે તેની દુકાનનું નામ બદલી નાખશે. પણ 26 જાન્યુઆરીએ જ્યારે અમારા કાર્યકરો દુકાનદાર સાથે વાત કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ અમારા કાર્યકરો સાથે ગેરવર્તન કર્યું અને હુમલો કર્યો."
તેમણે આરોપ લગાવ્યો, "...તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. પોલીસ વહીવટીતંત્રે કોઈ કાર્યવાહી ન કરી હોવાથી અમારા કાર્યકરો ગુસ્સે હતા, જેના પરિણામે આ વિરોધ થયો."
"આમાં દેહરાદૂન, ઋષિકેશ અને હરિદ્વારના અમારા બજરંગદળના કાર્યકરોનો સમાવેશ થતો હતો."
રાહુલ ગાંધીએ કહ્યું, 'દીપક ભારતના હીરો છે'

ઇમેજ સ્રોત, ANI
આ મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "દીપક ભારતના હીરો છે. તેઓ બંધારણ અને માનવતા માટે લડી રહ્યા છે, એ બંધારણ માટે જેને ભાજપ અને સંઘના લોકો ખતમ કરવા ઇચ્છે છે."
"દીપક નફરતની બજારમાં મોહબ્બતની દુકાનનું જીવિત પ્રતીક છે. આ જ વાત સત્તાને ખૂંચે છે. સંઘ પરિવાર જાણીજોઈને ભારતમાં આર્થિક અને સામાજિક ઝેર ઘોળી રહ્યો છે, જેથી ભારત વહેંચાયેલું રહે અને તે લોકો ડરના સહારે રાજ કરી શકે."
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "આપણે આવા વધુ દીપકોની જરૂર છે, જે ઝૂકે નહીં, ડરે નહીં. અમે તમારી સાથે છીએ ભાઈ..."
ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ રાજ્યની ભાજપ સરકારને દીપકને તાત્કાલિક અને મજબૂત સુરક્ષા પૂરી પાડવાની માગ કરી છે.
ધસ્માનાએ આ બાબતે ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદવર્ધન સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી.
તેમણે કહ્યું હતું કે, "ધર્મ અને 'સનાતન ધર્મ'ના નામે અરાજકતાવાદી તત્ત્વો દ્વારા કરવામાં આવી રહેલી હિંસક ઘટનાઓ સમગ્ર દેશમાં ઉત્તરાખંડની છબીને નુકસાન પહોંચાડી રહી છે. છેલ્લા બે મહિનામાં પૂર્વોત્તરના એક વિદ્યાર્થીની હત્યા, વિકાસનગરમાં એક કાશ્મીરી યુવક પર જીવલેણ હુમલો અને હવે પૌડી જિલ્લાના કોટદ્વારમાં એક મુસ્લિમ દુકાનદારને તેની દુકાનનું નામ બદલવાની ફરજ પાડવાની ઘટના - આ બધી ઘટનાઓ દેશ અને દુનિયામાં ઉત્તરાખંડની છબીને નુકસાન પહોંચાડી રહી છે."
સૂર્યકાંત ધસ્માનાએ આરોપ લગાવ્યો કે આવી સતત ઘટનાઓ દર્શાવે છે કે નફરત અને હિંસા ફેલાવનારા તત્ત્વોને શાસકપક્ષ દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ, મુખ્ય સચિવ આનંદવર્ધને તેમને ખાતરી આપી છે કે તેઓ આ ખૂબ જ ગંભીર મામલે જરૂરી સૂચનાઓ જાહેર કરશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












