ભારત સામેની મૅચનો પાકિસ્તાન બહિષ્કાર કરે જ તો ICC શું કરી શકે, તેની પાસે શું વિકલ્પો છે?

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026, ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં અને ક્યારે યોજાશે ?, આઇસીસી, પાકિસ્તાન ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ પીસીબી, ક્રિકેટ ટુર્નામેન્ટ, બીસીસીઆઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પીસીબીના ચૅરમૅન મોહસિન નક્વીએ કહ્યું હતું, 'જો બાંગ્લાદેશ સાથે ન્યાય ન થયો, તો તે ઇચ્છે તો 22મી ટીમને સામેલ કરી શકે છે'

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાના નિર્ણય બદલ આઇસીસીએ (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (પીસીબી) ચેતવણી આપી છે.

આઇસીસીનું કહેવું છે કે, "અમે આશા રાખીએ છીએ કે પીસીબી પરસ્પર સહમતિથી એક એવો રસ્તો કાઢે, જે તમામ સંબંધિત પક્ષકારોના હિતોનું રક્ષણ કરતો હોય."

આઇસીસીએ પાકિસ્તાનના આ નિર્ણયની 'દૂરગામી અસરો' પડવાની વાત પણ કહી છે.

ભારત તથા શ્રીલંકામાં તા. સાતમી ફેબ્રુઆરીથી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2026 શરૂ થશે, જે આઠમી માર્ચ સુધી ચાલશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તા. 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

રવિવારે પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન બહાર પડીને જણાવ્યું, 'તા. 15 ફેબ્રુઆરીના ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાન ઉપર નહીં ઊતરે તેવી માહિતી આપી હતી.'

જોકે, પાકિસ્તાન સરકાર દ્વારા આ નિર્ણય અંગે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.

બાંગ્લાદેશે ભારતની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપ રમવાનો ઇનકાર કરી દીધો હતો, એ પછી આઇસીસીએ આ ટુર્નામેન્ટમાં સ્કૉટલૅન્ડની ટીમને સામેલ કરી હતી, એ પછી વિવાદ શરૂ થયો હતો.

પાકિસ્તાને બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું, "જો કોઈ દેશ સુરક્ષાના કારણો સબબ કોઈ દેશમાં રમવાનો ઇનકાર કરે, તો બાંગ્લાદેશને પણ તે અધિકાર મળવો જોઈએ."

આ વાત ગતવર્ષે પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રૉફી સંદર્ભે હતી, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. એ પછી ભારતની મૅચો દુબઈ ખાતે યોજાઈ હતી.

આઇસીસીએ શું કહ્યું?

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026, ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં અને ક્યારે યોજાશે ?, આઇસીસી, પાકિસ્તાન ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ પીસીબી, ક્રિકેટ ટુર્નામેન્ટ, બીસીસીઆઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, આઇસીસીએ કોઈ રસ્તો કાઢવા પીસીબીને કહ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનની સરકારે નિવેદન બહાર પાડ્યું, તેના અમુક કલાકો પછી આઇસીસીએ એક વિસ્તૃત નિવેદન બહાર પાડીને કહ્યું કે પીસીબી દ્વારા તેને સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં નથી આવી અને પાકિસ્તાનના આ નિર્ણયની અસર વૈશ્વિક ક્રિકેટ માળખા ઉપર પડી શકે છે.

નિવેદનમાં જણાવાયા પ્રમાણે, "આઇસીસીએ પાકિસ્તાનની સરકારના નિવેદનને ધ્યાને લીધું છે, જેમાં તેણે આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026 દરમિયાન તેની રાષ્ટ્રીય ટીમને ચૂનંદી રીતે સામેલ થવાના નિર્દેશ અપાયા હોવાની વાત કરી હતી."

નિવેદનમાં આગળ જણાવ્યા મુજબ, "આઇસીસીને હજુ સુધી પીસીબી તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી મળી. સિલેક્ટિવ પાર્ટિસિપેશનનું આવું વલણ કોઈપણ વૈશ્વિક રમત આયોજનની મૂળભૂત ભાવના સાથે મેળ નથી ખાતું, જ્યાં ક્વૉલિફાય કરનારી તમામ ટીમો, નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સમાન રીતે રમે તેવી અપેક્ષા રાખવામાં આવે છે."

"આઇસીસી ટુર્નામેન્ટની રમત પ્રમાણિકતા, પ્રતિસ્પર્ધા, નિરંતરતા તથા નિષ્પક્ષતા ઉપર આધારિત હોય છે. સિલેક્ટિવ પાર્ટિસિપેશનને કારણે આવી સ્પર્ધાઓની ભાવના અને વિશ્વસનિયતા નબળી પડે છે."

"આઇસીસી રાષ્ટ્રીય નીતિઓ સંબંધિત બાબતોમાં સરકારોની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ આ નિર્ણય વૈશ્વિક ક્રિકેટ અથવા વિશ્વભરના પ્રશંસકોના હિતમાં નથી અને તેમાં પાકિસ્તાનના લાખો પ્રશંસક પણ સામેલ છે."

નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે, "આઇસીસી આશા રાખે છે કે આ નિર્ણયની ગંભીર તથા લાંબાગાળાની અસર ઉપર પીસીબી વિચાર કરશે, કારણ કે તેની અસર વૈશ્વિક ક્રિકેટના માળખા ઉપર પડી શકે છે. જેનું પીસીબી ખુદ સભ્ય અને લાભાર્થી પણ છે."

નિવેદનના અંતભાગમાં યોગ્ય સમાધાનની આશા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે, "આઇસીસીની પ્રાથમિકતા આઇસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપનું સફળ આયોજન કરવાની છે. આ જવાબદારી પીસીબી સહિત તમામ સભ્ય બોર્ડની પણ છે. આઇસીસીને આશા છે કે પીસીબી તમામ હિતધારકોના હિતોની રક્ષા કરતા પરસ્પર સહમતિથી કોઈ રસ્તો શોધશે."

દરમિયાન, લાહોરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના સલમાન અલી આગાને ભારત વિરુદ્ધની મૅચ નહીં રમવાના નિર્ણય અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો.

આ અંગે તમણે કહ્યું હતું, "આ અમારો નિર્ણય નથી, તેમાં અમે કશું ન કરી શકીએ. અમારી સરકાર, અમારા ચૅરમૅન અમે જે કંઈ કહેશે, અમારે એ જ કરવાનું છે. તેઓ જેમ કહેશે, તેમ કરીશું."

આઇસીસી પાસે શું વિકલ્પ છે?

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026, ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં અને ક્યારે યોજાશે ?, આઇસીસી, પાકિસ્તાન ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ પીસીબી, ક્રિકેટ ટુર્નામેન્ટ, બીસીસીઆઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2025માં પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રૉફીનું યજમાન હતું અને ભારતની મૅચો પાકિસ્તાનને બદલે દુબઈ ખાતે યોજાઈ હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રૂપ મૅચો ધંધાકીય રીતે હંમેશાં ખૂબ જ લાભકારક રહી છે.

વર્ષ 2023માં રૅવેન્યૂ વહેંચણી સંબંધિત કરારમાં જણાવવામાં આવ્યું હતું કે આઇસીસીની કુલ કમાણી તરીકે પાકિસ્તાનને ત્રણ કરોડ 45 લાખ ડૉલર મળશે.

જાણકાર કહે છે કે આને કારણે રૅવેન્યૂ વહેંચણીમાં પાકિસ્તાને નુકસાન વેઠવું પડી શકે છે.

પૂર્વ ક્રિકેટર અતુલ વાસને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "મને એમના માટે થોડું દુઃખ થાય છે અને આશ્ચર્ય પણ. આખરે તેઓ શું ઇચ્છે છે...જો પાકિસ્તાન આ મૅચ ન રમે અને અંક જતા કરે અને પછી ભારત સાથે ટક્કર થાય, તો શું ત્યારે પણ નહીં રમે?"

તેઓ કહે છે, "જો તમે આ નિર્ણય લઈ લીધો હોય, તો તમે આઇસીસી પાસે કોઈ વિકલ્પ નથી રહેવા દીધો. આઇસીસીએ તેમને બહાર રાખવા પડશે, કારણ કે આ બ્લૅકમેઇલિંગ જેવું હશે."

અતુલ વાસને નાણાકીય નુકસાન અંગે કહ્યું, "તે ભારતને નુકસાન પહોંચાડવા તથા જવાબ આપવાના શક્ય દરેક રસ્તા શોધી રહ્યું છે. તેઓ એ નથી સમજી રહ્યા કે તેઓ પોતે જ બરબાદી તરફ આગળ વધી રહ્યા છે...."

"અને તેમને એ ગેરમાન્યતા પણ છે કે આઇસીસી તથા બીસીસીઆઈ (ભારતનું ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ) એક જ છે. વાસ્તવમાં એવું નથી. માત્ર જય શાહ આઇસીસીના વડા છે, તો એનો મતલબ એવો નથી કે બીસીસીઆઈ દ્વારા આઇસીસીનું સંચાલન કરવામાં આવે છે."

ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આઠ વખત ટક્કર થઈ છે, જેમાંથી માત્ર એક જ વખત પાકિસ્તાનનો વિજય થયો છે.

જ્યારે વનડે વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે આઠ વક્કર મુકાબલો થયો છે અને તમામ મૅચોમાં પાકિસ્તાનની હાર થઈ છે.

જો પાકિસ્તાન બૉયકોટ કરે તો....

વીડિયો કૅપ્શન, ફૂટબૉલની રમત રાજસ્થાનમાં છોકરીઓનાં બાળલગ્ન રોકવામાં કેવી રીતે કારગર સાબિત થઈ રહી છે?

ગ્રૂપ 'એ'માં પાકિસ્તાન ઉપરાંત ભારત, નામિબિયા, નૅધરલૅન્ડ તથા અમેરિકા છે.

ભારત તથા શ્રીલંકા આ ટુર્નામેન્ટના સહ-આયોજક છે અને પાકિસ્તાનની તમામ મૅચ શ્રીલંકામાં રમાશે.

પાકિસ્તાનની પહેલી મૅચ તા. સાતમી ફેબ્રુઆરીના રોજ નૅધરલૅન્ડ્સ વિરુદ્ધ યોજાશે. ટી20 વર્લ્ડકપની શરૂઆત પણ આ દિવસે જ થશે.

એ પછી તા. 10મી ફેબ્રુઆરીના અમેરિકા તથા 18મી ફેબ્રુઆરીના નામિબિયાની સાથે મુકાબલો થવાનો છે. જો પાકિસ્તાન દ્વારા ભારત સામેની મૅચ (તા. 15મી ફેબ્રુઆરી) જતી કરે, તો તેણે ગ્રૂપ મૅચના બે પૉઇન્ટ ગુમાવવા પડશે.

આઇસીસીની રમતની શરતો મુજબ, બહિષ્કારની અસર પાકિસ્તાનની ચોખ્ખી રનરેટ ઉપર પણ પડશે, જ્યારે ભારતની નેટ રનરેટ ઉપર કોઈ અસર નહીં પડે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ બીસીસીના સૂત્રોને ટાંકતા લખે છે કે ભારતની ટીમ તા. 15મી ફેબ્રુઆરીના રોજ પૂર્વનિર્ધારિત મૅચ માટે આઇસીસી પ્રૉટૉકૉલનું પાલન કરશે. ટીમ શિડ્યુલ મુજબ વર્તશે, પ્રેસ કૉન્ફરન્સ કરશે, સમયસર સ્ટેડિયમ ઉપર પહોંચશે અને મૅચ રેફરી દ્વારા સત્તાવાર રીતે મૅચ રદ થવાની રાહ જોશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન