ઓસામા બિન લાદેને છળકપટથી જેમની હત્યા કરાવી એ 'અફઘાનિસ્તાનના હીરો' કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
કાબુલ ઍરપૉર્ટ પર ઊતરો ત્યારે, બે વર્ષ પહેલાં સુધી, તમારી નજર સૌથી પહેલાં ત્યાં લગાવવામાં આવેલા અહમદશાહ મસૂદના મોટા પોસ્ટર પર પડતી હતી.
એટલું જ નહીં, કાબુલના મુખ્ય ટ્રાફિક સર્કલને પણ તેમનું નામ આપવામાં આવ્યું હતું. નવ સપ્ટેમ્બરે મસૂદની પુણ્યતિથિ સમગ્ર અફઘાનિસ્તાનમાં 'મસૂદ ડે' તરીકે મનાવાતી હતી, પરંતુ હવે તાલિબાન ફરી સત્તા પર આવ્યાની સાથે બધું બદલાઈ ગયું છે.
કાબુલ ઍરપૉર્ટ પર લગાવવામાં આવેલી મસૂદની તસવીર ફાડી નાખવામાં આવી અને જે સ્થળોને તેમનું નામ આપવામાં આવ્યું હતું, એ નામ પણ બદલી નાખવામાં આવ્યાં છે. તેમ છતાં મસૂદ આજે પણ અફઘાનિસ્તાનમાં અનેક લોકોના રાષ્ટ્રીય હીરો છે.
અમેરિકન લેખક રૉબર્ટ કેપ્લને એક ગેરીલા કમાન્ડર તરીકે મસૂદની તુલના માઓ અને ચે ગુવેરા સાથે કરી હતી.
મસૂદની જીવનકથા 'અફઘાન નેપોલિયન, ધ લાઇફ ઑફ અહમદશાહ મસૂદ'ના લેખક સેન્ડી ગોલ લખે છે, "રશિયન વિરોધીઓ પણ તેમના આ હરીફની હિંમતને દાદ દેતા હતા, જેણે આઠ વર્ષ સુધી રશિયાના કમસે કમ નવ હુમલાનો સામનો કર્યો હતો. તેઓ આજીવન તાલિબાનના સૌથી મોટા વિરોધી બની રહ્યા હતા. દુનિયાના અનેક લોકોએ તેમની બુદ્ધિમત્તા, નમ્રતા, સાહસ અને ફારસી સાહિત્યના તેમના જ્ઞાનની કાયમ પ્રશંસા કરી હતી. 22 વર્ષની વયથી 49 વર્ષ વય સુધીનું તેમનું જીવન લડાઈ લડવામાં જ વીત્યું હતું."
તાલિબાનની છાવણીમાંથી જીવતા પાછા આવ્યા

ઇમેજ સ્રોત, SPEAKING TIGER
એકવડિયા બાંધાના અહમદશાહ મસૂદ ગરિમાપૂર્ણ જીવન જીવ્યા અને બહાદુરીનાં અનેક ઉદાહરણ પૂરાં પાંડ્યાં.
તેમણે બીજા અફઘાન કમાન્ડરોની સરખામણીએ 25 વર્ષ સુધી નેતૃત્વ અને શાસનની અત્યંત બહેતર છાપ છોડી હતી. તેમનું નૈતિક ચરિત્ર પણ બીજાની તુલનામાં ઘણું જ બહેતર હતું.
તાલિબાનની માફક તેમણે પણ ક્યારેય અલ કાયદા સાથે સમજૂતી કરી ન હતી. અફઘાન પ્રતિકારના બીજા લડવૈયાઓ વિદેશી સમર્થનની આશામાં દેશ છોડી ગયા હતા, પરંતુ મસૂદે સોવિયેતના કબજા દરમિયાન પણ ક્યારેય પોતાનો દેશ છોડ્યો ન હતો અને પંજશીરમાં બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં લડતા રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યક્તિગત રીતે તેમણે સાદગીભર્યું જીવન પસાર કર્યું હતું. તેમના પર સત્તાના દુરુપયોગ કે ભ્રષ્ટાચારનો એકેય આરોપ લાગ્યો ન હતો. એક બ્રિટિશ અધિકારીએ મસૂદની સરખામણી યુગોસ્લાવિયાની આઝાદી માટે લડાઈ લડેલા માર્શલ ટીટો સાથે કરી હતી.
સેન્ડી ગોલ લખે છે, "તાલિબાન કાબુલ તરફ આગળ વધ્યા ત્યારે, પોતાના સાથીઓએ મનાઈ કરી હોવા છતાં મસૂદ સમાધાનના પ્રયાસ કરવા માટે એકલા તાલિબાનની છાવણીમાં ગયા હતા. તેમના સાથીઓને ડર હતો કે મસૂદ ત્યાં જશે કે તરત તાલિબાન તેમની હત્યા કરશે, પરંતુ તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેઓ ત્યાંથી જીવતા પાછા આવ્યા હતા."
અહમદશાહ મસૂદને જીવતા પાછા જવા દેવા બદલ મુલ્લા ઉમરે પોતાના કમાન્ડરને બરતરફ કર્યા હતા.
મસૂદને વાચનનો એટલો શોખ હતો કે 1996માં તેમણે કાબૂલ છોડવું પડ્યું ત્યારે તેઓ પોતાની સાથે 2,000 પુસ્તકો લઈ ગયા હતા.
તાલિબાન સામે ક્યારેય હાર સ્વીકારી નહીં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયા વિરુદ્ધની લડાઈમાં મસૂદે અત્યંત સાધારણ, પરંતુ અસરકારક વ્યૂહરચના અપનાવી હતી.
એઆર રોવન પોતાના પુસ્તક 'ઑન ધ ટ્રેલ ઑફ અ લાયન, અહમદશાહ મસૂદ'માં લખે છે, "રશિયાના ગઢ પર રૉકેટ અને મોર્ટારનો મારો કરવા પહેલાં મસૂદ તેમના પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા પર સંખ્યાબંધ સુરંગ બિછાવી દેતા હતા. એ બાબતે તેમના સૈનિકો પહેલેથી જ જાણતા હતા. થોડો સમય બૉમ્બમારો કર્યા પછી એ સૈનિકો પહેલેથી બિછાવેલી સુરંગોથી બચીને હુમલો કરતા હતા. રશિયન સૈનિકો હુમલાથી બચવા માટે બહારથી કુમક મગાવતા હતા ત્યારે એ બધી કુમક સુરંગનો શિકાર થઈ જતી હતી."
થોડા મહિનાની લડાઈ પછી રશિયનોએ પંજશીર ખીણ છોડી દીધી. એ પછી તેમણે નવ વખત પંજશીર ખીણ વિસ્તારમાં હુમલો કર્યો હતો અને દરેક વખતે મસૂદે તેમને પાછા હઠવા મજબૂર કર્યા હતા.
તાલિબાનને પાકિસ્તાનનું જોરદાર સમર્થન હતું અને તેમની સંખ્યા ત્રણ ગણી હતી. તેમ છતાં તાલિબાન મસૂદને ક્યારેય હરાવી શક્યા ન હતા.
મસૂદે ખીણની આગળના ભાગમાં આવેલી સાલાંગ ટનલને ડાયનામાઇટ વડે ફૂંકી મારી હતી અને એક રીતે ખુદને પોતાના ક્ષેત્રમાં લૉક કરી દીધા હતા. એ પછી તેમણે ગામેગામ જઈને લોકોને પોતાના ક્ષેત્રના રક્ષણ માટે તમામ પ્રયાસ કરવા પ્રેરિત કર્યા હતા.
રશિયાના બૉમ્બમારા સમયે પણ પોતાનું કામ કરતા રહ્યા

ઇમેજ સ્રોત, NATRAJ PUBLICATION
રશિયાના એક હુમલા દરમિયાન સેન્ડી ગોલ મસૂદ પાસે બેઠા હતા.
સેન્ડી લખે છે, "મેં મસૂદ સાથે હાથ મિલાવ્યો ત્યારે સૌપ્રથમ મારી નજર તેમની આંખો પર પડી હતી. તે બુદ્ધિશાળી વ્યક્તિની આંખો હતી. એ સમયે તેમના ચહેરા પર જે પરિપકવતા હતી એ 28 વર્ષના યુવાનમાં બહુ ઓછી જોવા મળે છે. અમે બેસવાના હતા ત્યાં જ અમારા માથા પર રશિયન વિમાન જોવા મળ્યાં. મસૂદ અને તેમના સાથીઓ ઝડપથી નજીકના ઘર તરફ આગળ વધ્યા હતા. તેમણે મને પાછળ આવવાનો ઇશારો કર્યો હતો."
"એ બૉમ્બમારા દરમિયાન જ મસૂદે ચા પીતાં-પીતાં તેમના માટે આવેલા પત્રો વાંચ્યા હતા અને તેના જવાબ લખ્યા હતા. તેમના અંદાજથી, તેઓ જાણે કે કોઈ આદેશ આપી રહ્યા હોય એવું લાગતું હતું. હું તેમના આત્મવિશ્વાસ અને બેધડકપણાથી બહુ પ્રભાવિત થયો હતો. જાણે કે પરિસ્થિતિ પર તેમનું નિયંત્રણ હોય એવું લાગતું હતું. મસૂદ ક્યારેય અંગ્રેજી શીખ્યા નહીં, પરંતુ તેઓ ફ્રેન્ચ બહુ કુશળતાથી બોલતા હતા."
ઓસામાએ હત્યારાઓને પત્રકાર બનાવીને મોકલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઓસામા બિન લાદેન શરૂઆતમાં રશિયા સામેની લડાઈમાં મસૂદની સાથે હતા, પરંતુ બાદમાં બન્ને વચ્ચે ગંભીર મતભેદ સર્જાયા હતા અને એ મતભેદ જ મસૂદની હત્યાનું કારણ બન્યા હતા.
બે આરબ પત્રકાર ઑગસ્ટ, 2000માં અહમદશાહ મસૂદનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા. તેમની પાસે બેલ્જિયમના પાસપૉર્ટ હતા. પત્રકારના સ્વાંગમાં આવેલા લોકોએ તે પાસપૉર્ટ બેલ્જિયમ દૂતાવાસમાંથી ચોર્યા હોવાની ખબર બાદમાં પડી હતી. વાસ્તવમાં એ બન્નેને અલ કાયદાએ મસૂદની હત્યા માટે મોકલ્યા હતા.
એ પૈકીના એકનું નામ અબ્દેસત્તાર દહમાને હતું. તે 39 વર્ષનો હતો, જ્યારે બોઆરી અલ કુઅર 31 વર્ષનો હતો. તેનો બાંધો મજબૂત હતો અને તે મુક્કાબાજ જેવો લાગતો. બન્નેને દાઢી ન હતી અને તેમણે શર્ટ-પૅન્ટ પહેર્યાં હતાં. મસૂદના આદેશ પછી તેમને ચેક પૉઇન્ટ પરથી લાવવા માટે તે વિસ્તારના કમાન્ડર બિસ્મિલ્લા ખાને એક કાર મોકલી હતી.
એ બન્ને આરબની મુલાકાત અહમદશાહ મસૂદ સાથે કરાવવાની વિનંતી પશ્તૂન નેતા અબ્દુલ રસૂલ સય્યાફને તેમના એક જૂના દોસ્ત અબુ હાનીએ એક મહિના પહેલાં ફોનકૉલ મારફત કરી હતી. એ બન્ને પહેલાં ઇસ્લામાબાદ ગયા હતા અને ત્યાંથી કાબુલ પહોંચ્યા હતા. કાબુલથી પંજશીર ગયા હતા અને ત્યાં થોડા દિવસ સય્યાફના મહેમાન બન્યા હતા.
ઠંડા કલેજાવાળા રહસ્યમય હત્યારા

ઇમેજ સ્રોત, Getty Images
બાદમાં સ્કૉટલૅન્ડ યાર્ડને આપેલા નિવેદનમાં અમરુલ્લાહ સાલેહે કહ્યું હતું, "પંજશેરી ડ્રાઇવરે અફઘાન વહીવટીતંત્રને જણાવ્યું હતું કે બન્ને આરબે તેને સાવધાનીથી મોટર ચલાવવા કહ્યું હતું, કારણ કે તેમની પાસે નાજુક ઉપકરણ હતાં."
એ વિસ્તારના કમાન્ડર બિસ્મિલ્લા ખાને નોંધ્યું હતું કે એ બન્નેને દાઢી ન હતી, પરંતુ તેમના ગાલ નીચેની ચામડી પીળી હતી, જે દર્શાવતી હતી કે તેઓ અગાઉ દાઢી રાખતા હશે, પરંતુ તાજેતરમાં તે કઢાવી નાખી હશે.
આ વાત બિસ્મિલ્લા ખાનના ધ્યાનમાં આવી હતી, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. થોડા દિવસ સય્યાફ પાસે રહ્યા પછી એ પત્રકારોને ખીણપ્રદેશમાં લાવીને અસ્તાનામાં મસૂદના ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એક બ્રિટિશ પ્રવાસી અને લેખક મેથ્યુ લીમિંગ સાથે તેમની મુલાકાત થઈ હતી.
બાદમાં મેથ્યુએ 'ધ સ્પેક્ટેટર'માં "બ્રેકફાસ્ટ વિથ કિલર્સ" શીર્ષક હેઠળના લેખમાં લખ્યું હતું, "એ બન્ને મને ઠંડા કલેજાવાળા રહસ્યમય લોકો જણાયા હતા. મસૂદની હત્યા પછી મને સમજાયું હતું કે મેં એ હત્યારાઓ સાથે પાંચ દિવસ પસાર કર્યા હતા. ભોજન કરતી વખતે મેં તેમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ મોરક્કોથી આવ્યા છે, પરંતુ બેલ્જિયમમાં રહે છે. મેં પ્રવાસનસ્થળ તરીકે મોરક્કો વિશે ચર્ચા છેડી ત્યારે તેમાં તેમણે કોઈ રસ દેખાડ્યો ન હતો. એ દરમિયાન એ બન્ને સારા એવા પ્રમાણમાં ભાત અને માંસ ખાતા રહ્યા હતા."
મેથ્યુ લખે છે, "એક-બે દિવસ પછી મારી સાથે મોકળાશથી વાત કરવા લાગ્યા ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે મારી પાસે જનરલ મસૂદનો નંબર છે? મેં જવાબ આપ્યો ન હતો. મસૂદ પોતાનો નંબર કોઈને આપતા હોય તેવું હું માનતો નથી. મેં તેમને પૂછ્યું હતું કે તમારે મસૂદને શા માટે મળવું છે? તેમણે જવા આપ્યો હતો કે અમારી ટીવી ફિલ્મ માટે."
આખરે બોલાવ્યા

ઇમેજ સ્રોત, THE SPECTATOR
એ જમાનામાં મસૂદના સૌથી જૂના દોસ્ત મસૂદ ખલીલી ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા. 2001ની પાંચમી સપ્ટેમ્બરે તેઓ કઝાકસ્તાનના વિદેશમંત્રીને મળવા નવી દિલ્હીથી પ્લેનમાં અલમાતી જવા રવાના થયા ત્યારે મસૂદે તેમને ફોન કરીને મળવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ખલીલી સાતમી સપ્ટેમ્બરે અલમાતીથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે જવા પ્લેનમાં રવાના થયા હતા. ખલીલી પોતાની હોટલમાં ઊંઘવા જઈ રહ્યા હતા ત્યારે અમરુલ્લાહશાહે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે મસૂદ આવી પહોંચ્યા છે અને તમને તત્કાળ મળવા ઇચ્છે છે.
ખલીલી નાઇટ ડ્રેસ ઉતારીને બીજાં કપડાં પહેર્યાં હતાં અને મસૂદના ભત્રીજા તથા તેમના સૈનિક એટેશે વદૂદ સાથે મસૂદની કાળી બુલેટપ્રૂફ મર્સિડિઝ કારમાં બેસીને તેમના ઘરે પહોંચ્યા હતા.
ખલીલીએ સ્કૉટલૅન્ડ યાર્ડને આપેલા નિવેદનમાં કહ્યું હતું, "હું અને મસૂદ કાશ્મીર તથા ભાર��માં આતંકવાદ વિશે વાત કરી રહ્યા હતા. રાતે સાડાબાર વાગ્યે મેં મસૂદની રજા લીધી હતી. તેઓ મને બહાર સુધી મૂકવા આવ્યા હતા, જે અસામાન્ય હતું. તેમના લોકોએ મને જણાવ્યું હતું કે તેઓ બીજા દિવસે સવારે 10થી 11ની વચ્ચે અફઘાનિસ્તાન જવા રવાના થશે. ખોજો બહાઉદ્દીન માટેની ઉડાન 40 મિનિટની હતી. એ દરમિયાન મેં કમાન્ડર સાથે અનેક ફોટો પણ ક્લિક કર્યા હતા."
સાંજે વિદેશ મંત્રાલયના પ્રોટોકૉલ ઑફિસર અસીમ આવ્યા હતા અને તેમણે મસૂદને પૂછ્યું હતું કે "તમને આરબ પત્રકારોને મળવાનું ગમશે? તેમને ઉત્તરીય ગઠબંધન વિસ્તારમાં આવ્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે અને તેઓ છેલ્લા નવ દિવસથી ખોજા બહાઉદ્દીનમાં તમને મળવા રાહ જોઈ રહ્યા છે."
પૂછવાના હતા તે સવાલ પહેલાંથી જ આપી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
અહમદશાહ મસૂદે તેમને બીજા દિવસે મળવાનો સમય આપ્યો હતો. એ રાતે તેઓ અને ખલીલી સાથે રહ્યા હતા. તેઓ રાતના દોઢ વાગ્યા સુધી એકમેકને નઝમો સંભળાવતા રહ્યા. બીજા દિવસે સવારે લગભગ 11 વાગ્યે અહમદશાહ મસૂદ પોતાની ઑફિસે પહોંચી ગયા હતા.
મસૂદ ખલીલીએ સ્કૉટલૅન્ડ યાર્ડને જણાવ્યું હતું, "અહમદશાહે ખાખી રંગનું ખમીસ અને સૈનિક સ્ટાઇલનું જૅકેટ પહેર્યાં હતાં. મારો નવો પાસપૉર્ટ થોડા દિવસ પહેલાં જ મને મળ્યો હતો. એ મેં તેમને દેખાડ્યો ત્યારે તેમણે કહેલું કે ખિસ્સામાં રાખજો અન્યથા ખોવાઈ જશે. મસૂદે જણાવ્યું હતું કે બે આરબ પત્રકારો મારી રાહ જોઈ રહ્યા છે. હું સ્નાન કરવા જતો હતો, પરંતુ મસૂદે મને એમ કહીને રોકી લીધો હતો કે ઇન્ટરવ્યૂ પાંચ-દસ મિનિટમાં ખતમ થઈ જશે."
ખલીલીના કહેવા મુજબ, "ઇન્ટરવ્યૂ વખતે હું મસૂદની જમણી બાજુ બેઠો હતો. હું તેમની એટલો નજીક બેઠો હતો કે અમારા બન્ને ખભા એકમેકને અડતા હતા. મેં ઇન્ટરવ્યૂ લેવા આવેલા લોકોને પૂછ્યું હતું કે તમે કયા અખબારમાંથી આવ્યા છો? તેમણે જણાવ્યું હતું કે કોઈ અખબારમાંથી નહીં, પરંતુ હું યુરોપના ઇસ્લામિક સેન્ટર તરફથી આવ્યો છું. આ પત્રકાર નથી, એવું મેં મસૂદને કહ્યું ત્યારે તેમણે મને કોણીથી હળવો ધક્કો મારતાં કહ્યું હતું કે તેમને તેમનું કામ કરવા દો. પછી મસૂદે તેમને પૂછ્યું હતું કે તમે કેટલા સવાલ પૂછશો? ઇન્ટરવ્યૂ લેનાર એક પાનું કાઢીને સવાલ વાંચવા લાગ્યો હતો. તેના કુલ 15 સવાલ હતા. તેમાં આઠથી નવ સવાલ ઓસામા બિન લાદેન સંબંધી હતા."
હત્યારાના બૅલ્ટમાં છુપાવેલો હતો બૉમ્બ

ઇમેજ સ્રોત, Getty Images
તેનો પહેલો સવાલ એ હતો કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કેવી છે? ખલીલીએ તેનો અનુવાદ કર્યો ત્યાં જ ભયાનક વિસ્ફોટ થયો હતો.
ખલીલીએ કહ્યું હતું, "મેં વિસ્ફોટનો અવાજ તો સાંભળ્યો ન હતો, પરંતુ આગના ગોળા મારી તરફ આવતા જોયા હતા. મને યાદ છે કે ત્યાં સુધી હું ભાનમાં હતો. મારી છાતી પર કોઈનો હાથ ફરતો હોય તેવું મને લાગ્યું હતું. એ અહમદશાહ મસૂદનો હાથ હતો. એ પછી હું બેભાન થઈ ગયો હતો."
વિસ્ફોટને લીધે આખું ઘર હચમચી ગયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અહમદશાહ મસૂદના સાથીઓ આરેફ તથા જમશિદ એવું સમજ્યા હતા કે તાલિબાને હવાઈ હુમલો કર્યો છે. આરબ હત્યારાઓએ કૅમેરા મસૂદની બરાબર સામે રાખ્યો હતો, પરંતુ બૉમ્બ ઇન્ટરવ્યૂ લેનાર હત્યારાના બૅલ્ટમાં છુપાવેલો હતો.
મસૂદના બધા રક્ષકો દોડતા ત્યાં આવી પહોંચ્યા હતા. લગભગ બેભાન થઈ ગયેલા મસૂદે તેમને જણાવ્યું હતું કે પહેલાં ખલીલીને ઉઠાવો. મસૂદને તરત જ એક કાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને એ કાર તેમને લઈને ઝડપથી હેલીપેડ તરફ આગળ વધી હતી.
મસૂદના એક ગાર્ડ આરેફે પોતાના જુબાનીમાં કહ્યું હતું, "અહમદશાહ મસૂદના આખા શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમના ડાબા હાથની એક આંગળીનો નાનકડો ટુકડો કપાઈને અલગ થઈ ચૂક્યો હોવાનું પણ મેં જોયું હતું. મસૂદ, ખલીલી અને બીજા ઘાયલ લોકોને હેલિકૉપ્ટર મારફત નજીકમાં તાજિકિસ્તાનના ફખર શહેરમાં લઈ જવામાં આવ્યા હતા."
ભારતીય ડૉક્ટરે મસૂદને મૃત જાહેર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
મસૂદ ખલીલીએ બાદમાં જણાવ્યું હતું, "હું હેલિકૉપ્ટરમાં હોઉં તેવું મને લાગ્યું હતું. મેં લગભગ 10-15 સેકન્ડ માટે મારી આંખો ખોલી હતી. મેં મસૂદના ચહેરા તથા વાળમાં લોહી જોયું હતું. એ પછી હું ફરી બેભાન થઈ ગયો હતો. આઠ દિવસ પછી હું ભાનમાં આવ્યો હતો. ત્યાં સુધીમાં મને જર���મનીની એક હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. મારાં પત્નીએ મને જણાવ્યું હતું કે અહમદશાહ મસૂદ હવે આ દુનિયામાં રહ્યા નથી."
ખલીલીનાં પત્નીએ તેમના સામાનમાં તપાસ કરી ત્યારે તેમનો પાસપૉર્ટ મળ્યો હતો, જે અહમદશાહ મસૂદે ખલીલીના ખમીસના ઉપરના ખિસ્સામાં આગ્રહપૂર્વક મુકાવ્યો હતો.
એ ઘટનાને યાદ કરતાં ખલીલીએ કહ્યું હતું, "મારાં પત્નીએ મારો પાસપૉર્ટ ખોલ્યો ત્યારે તેના 15મા પાના સુધી અનેક ખીલી ઘૂસેલી હતી. કદાચ પાસપૉર્ટને કારણે મારો જીવ બચ્યો હશે. મેં વિચાર્યું હતું કે મારા બદલે કમાન્ડરે એ પાસપૉર્ટ તેમના ખિસ્સામાં રાખ્યો હોત તો કેટલું સારું થાત. અફઘાનિસ્તાનને મારા કરતાં તેમની વધારે જરૂર હતી."
ઘાયલ મસૂદને ફખર પહોંચાડવામાં આવ્યા તેની સાથે જ ત્યાં હાજર એક ભારતીય ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ગાર્ડ્સે જણાવ્યું હતું કે વિસ્ફોટ થયાની થોડી મિનિટોમાં જ અહમદશાહ મસૂદ મૃત્યુ પામ્યા હતા.
મસૂદની હત્યાના સમાચાર છુપાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
એ ઘટનાને કેટલાક દિવસ સુધી બહારની દુનિયાથી છુપાવી રાખવામાં આવી હતી. તેનો લાભ લઈને તાલિબાન નોર્ધન ફ્રન્ટ પર નવી સૈનિક ઝુંબેશ શરૂ ન કરી શકે એટલા માટે એવું કરવામાં આવ્યું હતું.
મસૂદની હત્યા 9/11ના 48 કલાક પહેલાં કરાઈ હતી, પરંતુ 9/11ની ઘટનાને કારણે મસૂદની હત્યા બાબતે પૂરતી ચર્ચા થઈ ન હતી.
બંને ઘટનાનું ટાઇમિંગ એક સંયોગ હતું, કારણ કે અલ કાયદાના હત્યારા તો અનેક સપ્તાહથી અહમદશાહ મસૂદની હત્યા કરવાની ફિરાકમાં હતા. મસૂદ ખલીલી માને છે કે અહમદશાહની હત્યામાં અલ કાયદાનો હાથ હતો.
તેમણે સ્કૉટલૅન્ડ યાર્ડને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું, "ઓસામા બિન લાદેન સમગ્ર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં એક પ્રકારની ધાર્મિક ખાઈ સર્જવા ઇચ્છતા હતા, જે અહમદશાહ મસૂદને માર્ગમાંથી હઠાવ્યા વિના શક્ય ન હતું."
"ઓસામાને ખબર હતી કે તે ન્યૂ યૉર્કમાં જે કરાવવાનો હતો એ પછી તેને સલામતીની જરૂર પડવાની છે. કમાન્ડર મસૂદની હત્યા તાલિબાનના નેતા મુલ્લા ઉમર માટે એક રીતે ભેટ હતી, જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે તેઓ ઓસામાને જરૂરી સલામતી પ્રદાન કરે."












